Gujarat

છોટાઉદેપુર: 22 મુસાફરોથી ભરેલી બસ પાણીમાં ફસાઈ અને પછી…

રાજ્યમાં હાલ વરસાદી માહોલ બનેલો છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં હાલ મન મુકીને વરસાદ વરસી રહ્યો છે. છોટાઉદેપુરમાં હજી પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે કે, એક મીની લક્ઝરી બસ પાણી ફસાઈ ગઈ હતી. જેમાં 22 મુસાફરો રહેલા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, નાની બુમદી પાસે મિની લક્ઝરી બસ પાણીમાં ફસાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ બસમાં 22 મુસાફરો રહેલા હતા. ત્યાર બાદ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાત્રીના અંધારામાં ડ્રાઈવર સહિત 22 પેસેન્જરને રેસ્ક્યું કરી બહાર કાઢવામાં આવ્યા હતા. રાત્રીના સમયે ફાયરની ટીમ દ્વારા બચાવ કામગીરી કરી મુસાફરોના જીવ બચાવી લેવામાં આવ્યો હતો. ભારે ધસમસતા પ્રવાહમાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.

જ્યારે બીજી તરફ છોટાઉદેપુરમાં ફરી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ શરૂ થતા જ લોકોની મુશ્કેલી વધશે તેવો ભય લોકોમાં ફેલાય ગયો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના લીધે તંત્ર પણ ચિંતિત છે. રવિવારના વરસેલા વરસાદ બાદ લોકોના ઘરો માંથી માંડ પાણી ઓસર્યા હતા ત્યાં આજે ફરીથી વરસાદ શરૂ થતા ફરીથી ભરાવા લાગ્યા છે તેના લીધે લોકોમાં ભય પ્રસરી ગયો છે.

આ બાબતમાં છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અત્યાર સુધી 257 લોકોનું જિલ્લામાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જ્યારે 5 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. પાણેજ ગામમાં એક મહિલાનું મોત નીપજ્યું છે તેમને સહાય આપવામાં આવશે. જેમના ઢોર પુર માં મોત પામ્યા તેમને પણ સહાય આપવામાં આવશે. જરૂરિયાતવાળા ગામોમાં આરોગ્યની સુવિધા પહોચાડવા તંત્રને સૂચના આપવામાં આવી છે. વહીવટી તંત્રને લોકોની સાથે સંકલનમાં રહી કામગીરી કરવાની સૂચના અપાઈ છે. વહીવટી તંત્ર, NDRF, SDRF ની ટીમ દ્વારા સરસ કામગીરી કરવામાં આવી છે.

તેના સિવાય 22 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ચેક ડેમ ત્રણ મહિનામાં જ તૂટી જતા તેમને જણાવ્યું કે, , નબળી કામગીરી બાબત તપાસના આદેશ આપવામાં આવશે. ચેક ડેમ વહેલીતકે ફરી બને તેવા પ્રયત્નો કરવામાં આવશે. કોન્ટ્રાકટરને જરૂર પડશે તો નોટિસ પણ અપાશે.

Back to top button