હવે પ્રવાસીઓને કેવડિયામાં પણ મળશે, દલઝીલમાં શિકારામાં રહેવા જેવું વાતાવરણ
સરદાર સરોવર નર્મદા ડેમના તળાવ નંબર ત્રણમાં ત્રણસો મગરોની વસ્તી વચ્ચે હાઉસ બોટ સેવા શરૂ કરવામાં આવી છે જે પોતાનામાં એક રોમાંચક બાબત ગણાય છે. સરકાર દ્વારા કેવડિયાનું નવું નામ બદલીને એકતા નગર કરવામાં આવ્યું છે અને આ શહેરને વધુ એક ગીફ્ટ મળી છે.
હવે પ્રવાસીઓને પણ કાશ્મીરના દલઝીલના શિકારામાં રહેવાનો આનંદ મળશે. રોયલ લુક સાથે હાઉસ બોટમાં દસ લોકો એકસાથે રહી શકે છે. સી પ્લેન સર્વિસ પ્રોજેકટ નિષ્ફળ જતાં હવે આ તળાવમાં હાઉસ બોટ દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને વૈશ્વિક સ્તરે સંપૂર્ણ પર્યટન સ્થળ બને તે માટે અહીં નવા પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યા છે. હવે પ્રવાસીઓને આકર્ષવા માટે સરકાર દ્વારા વધુ એક ટ્રિબ્યુટ દાખલ કરવામાં આવી છે.
નર્મદા ડેમના સરોવર નંબર ત્રણમાં હાઉસ બોટ શરૂ કરવામાં આવી છે. તે કેરળ અને જમ્મુ-કાશ્મીરમાં જોવા મળતી હાઉસ બોટના કોન્સેપ્ટ પર બનાવવામાં આવી છે. આ તળાવમાં સી પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. હાલમાં આ સેવા બંધ છે. VIP થ્રી સ્ટાર હોટલ જેવી જ સુવિધાઓથી સજ્જ આ હાઉસ બોટ હવે એકતા નગર (કેવડિયા)ની મુલાકાતે આવતા પ્રવાસીઓને આકર્ષશે. તળાવ નંબર ત્રણમાં લોખંડ અને લાકડાનો ઉપયોગ કરીને બનાવેલી હાઉસ બોટ રોયલ્ટીનો અહેસાસ કરાવશે.
હાઉસ બોટમાં એર કંડિશનરની સુવિધા સાથે રહેવા અને ખાવા સહિતની તમામ પ્રકારની સુવિધાઓ છે. એટલું જ નહીં હાઉસ બોટમાં ઇન્ડોર ગેમ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હાઉસ બોટ ચલાવવા માટે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.પ્રવાસીઓએ હવે હાઉસ બોટની મજા માણવા માટે કાશ્મીર તરફ જવું નહીં પડે અને આ સુવિધા તેમને કેવડિયામાં જ મળશે.હાઉસ બોટનું ભાડું ચોવીસ કલાક માટે ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. તેમાં બે પરિવારો એટલે કે આઠથી દસ વ્યક્તિઓ રહી શકે છે. રજવાડી લુકમાં બનેલી આ હાઉસ બોટ લોકોને આકર્ષશે. બોટમાં બે લક્ઝરી રૂમ પણ બનાવવામાં આવ્યા છે.