Zee ન્યૂઝમાં હવે નહીં જોવા મળે સુધીર ચોધરી, CEO પદથી આપી દીધું રાજીનામું…
સુધીર ચોધરી 90ના દશકથી ટીવી સમાચાર ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે. તેઓએ ઝીમાં એક દશક જેટલું કામ કર્યું છે અને હવે તેમણે આ કંપની છોડી દેવાનું નક્કી કર્યું છે. જો કે કંપનીમાં આ તેમનો બીજો કાર્યકાળ હતો. શરૂઆતમાં તેમણે ઝી ન્યૂઝમાં શામેલ થયા હતા. તેમણે Zee Media Corporation Limited તરફથી હિન્દી, મરાઠી અને બિઝનેશ ચેનલ ઝી બિઝનેસમાં કામ કર્યું હતું પણ વર્ષ 2003માં તેઓ સહારા સમય સાથે જોડાયા હતા આ પછી તેઓ થોડો સમય ઈન્ડિયા ટીવી સાથે પણ જોડાયા હતા.
સુધીર ચૌધરીએ 2003-2012 વચ્ચે સહારા સમય, ઈન્ડિયા ટીવી, લાઈવ ઈન્ડિયા જેવી અન્ય ચેનલો સાથે કામ કર્યું હતું. પરંતુ વર્ષ 2012 માં, તે ફરીથી ઝી ન્યૂઝ સાથે જોડાવા માટે પાછા ફર્યા. સુધીર ચૌધરી ઝી ન્યૂઝમાં ડેઈલી ન્યૂઝ એન્ડ એનાલિસિસ (ડીએનએ) હોસ્ટ કરતા હતા. આ શો હિન્દી ન્યૂઝ ચેનલો પર સૌથી વધુ રેટેડ શોમાંનો એક છે.
પણ હવે તેમણે રાજીનામું આપી દીધું છે. સમાચાર આ સામે આવી રહ્યા છે કે સુધીર ચોધરીએ પોતાનું વેન્ચર શરૂ કરવા માટે ઝી મીડિયા કોર્પોરેશનમાં કલસ્તર 1ના સીઇઓ પદથી રાજીનામું આપ્યું છે.
ઝી મીડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ઔપચારિક રીતે જાણ કરવામાં આવે છે કે ક્લસ્ટર 1ના સીઈઓ સુધીર ચૌધરીએ તાત્કાલિક અસરથી ઝી મીડિયા કોર્પોરેશન લિમિટેડમાં તેમની સેવાઓમાંથી રાજીનામું આપ્યું છે. સુધીર પોતાનું સાહસ શરૂ કરવા માંગે છે, તેથી ઝી મીડિયાએ ભારે હૃદયથી તેમનું રાજીનામું સ્વીકાર્યું છે.”
તેમનું રાજીનામું સામે આવતા જ ઝી મીડિયાના માલિક સુભાષ ચંદ્રાએ પણ એક પત્ર જાહેર કર્યો છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ બે દિવસથી સુધીરને મનાવવા પ્રયત્ન કરી રહ્યા છે પણ તેઓ પોતાની ફેન ફોલોવર્સને વાપરીને પોતાનું જ વેન્ચર શરૂ કરવા માંગે છે.
તે જ સમયે, સુધીર ચૌધરીએ સુભાષ ચંદ્રાને લખેલા તેમના રાજીનામાના પત્રમાં જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હતા. જણાવી દઈએ કે સુધીર ચૌધરીના રાજીનામાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી અટકળો ચાલી રહી હતી કારણ કે તેઓ 3 દિવસથી તેમનો શો DNA હોસ્ટ કરતા જોવા મળ્યા ન હતા. આ શોને રોહિત રંજને હોસ્ટ કર્યો હતો, જે ઝી હિન્દુસ્તાનના એન્કર છે.